ઈ.સ. ૧૮૪૫ થી ઈ.સ.૧૯૪૪, એકસો વર્ષની સાહિત્ય સાધનાનો રસથાળ લઈને અર્વાચીન ગુજરાતી સાહિત્યની યુગલક્ષી વિભાવના સાથે પ્રથમ ત્રણ યુગ: સુધારક યુગ (૧૮૪૩ થી ૧૮૯૦), પંડિતયુગ (૧૮૫૦ થી ૧૯૧૪) અને ગાંધીયુગ (૧૯૧૫ થી ૧૯૪૦) દરમ્યાન યુગ પ્રવર્તક કહી શકાય તેવા સર્જકો અને સર્જનો પૈકી સિમાસ્તંભરૂપ સાહિત્યકારો તથા સાહિત્યની ગહનતાપૂર્વક છણાવટ સાથે એક શતકનું ઉત્તમોત્તમ સાહિત્યિક ભાથું લઈને પ્રવાહિત થનાર ARPIT-2019 ની સાહિત્યધારાથી ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો નવપલ્લવિત થશે અને વાસ્તવિક શિક્ષણ કાર્ય દરમ્યાન વિધાર્થીઓના ભાવવિશ્વને પરિશુધ્ધ કરવા ઉપરાંત પોતાના ચૈતસિક વિશ્વને પણ વધારે સમૃધ્ધ કરી શકશે. એટલું જ નહીં પરંતુ ''અર્વાચીન ગુજરાતી સાહિત્યધારા'' શિર્ષક અંતર્ગત પ્રસારિત થનાર પ્રસ્તુત કાર્યક્રમથી પંચાનન પ્રક્રિયાનો આરંભ થઇ શકશે:
- ત્રણ યુગના સાહિત્ય સર્જનની ઓળખ કેળવાશે.
- સાહિત્ય અને સમાજના આંતરસંબંધો સ્પષ્ટ થઇ શકશે .
- અર્વાચીન ગુજરાતી સાહિત્યધારા થી નવપલ્લવિત થયેલાં અધ્યેતા તેમજ અધ્યાપકને ચિંતનાત્મક ભૂમિકા પ્રદાન કરી શકાશે.
- સર્જક અને વાંચકના ભાવવિશ્વનું ઐક્ય સ્થાપિત કરતી રચનાઓના માધ્યમથી સાહિત્યનો સર્વોપરિતાલક્ષી વિચાર વહેતો મુકી શકાશે.
- સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધી યુગના મુઠ્ઠીઊચેરા સર્જનો અને સર્જકો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અધ્યેતા તેમજ અધ્યાપકને અભિપ્રેરિત કરી શકાશે